STORYMIRROR

Sang Savariya

Inspirational Crime

4  

Sang Savariya

Inspirational Crime

શબદ ચતુરાઈ

શબદ ચતુરાઈ

1 min
27.6K


આમ તો અભડાતા અથડાતા 

ને દૂરદૂર ભાગતા

સ્પર્શ અમારો તમે ન સહન કરી શકતા

અરે આંગણામાં પણ પગ ન મૂકવા દેતા

હાથો હાથ કોઈ ચીજવસ્તુ ન લેતા ન દેતા

પણ આજ

આ શું થયું ?

કાલ સુધી જ્યાં બહાર ઊભા રાખતા

એ દુકાનદારે પ્રેમ(કામ?)થી ક્હ્યું "અંદર આવી જા"

હું જોતો રહ્યો...

ટીમલીને શેઠે માલીપા બોલાવી!

અરે વાહ! શેઠે તમે તો આભડછેટ ભૂલાવી

ન થયું તેવું આજે તમે કર્યું !

ટીમલી પણ મનોમન હરખાય

સામે શેઠ થોડા મલકાયા

હુંય થોડો માલીપા જાવ

મનમાં વિચારી પગ અેક ઉપાડ્યો

ત્યાં શેઠે બરાડો પાડી: "સીધો ઊભો રે અય...",

"માલીપા શું દાટ્યું છે?"

હું થોડો પાછો હટ્યો, સાથે સાથે ભડક્યો

મને નહીં શેઠે ટીમલીને માલીપા આવવા કહ્યું 

મને સાંભર્યું...!!

ટીમલી પર નજર ગઈ

આ શું મારી મનોદશા બદલી ગઈ

ટીમલી સાવ ભોળી નાજુક ને નમણી

શેઠે તેને નીરખી આજે ધારીધારી બમણી

શેઠની આંખોમાં સપના આવ્યાં

ટીમલી જો અંદર આવી જાય

કોડ જે બાકી આજ પુરા થાય

પછી તો ટીમલી જાણે કળી ગઈ 

થોડી પાછી હટી ગઈ

શેઠ સામે નજર મેળવી વટથી બોલી:

"બાપા, તમારી દિકરી જ્યમ્ છીયે...

અંદર શું કામ છે? બાર'ય જ આપી દ્યો 

જ્ય આપવું હોય ત્યં...

અંદર નહીં આવવું !"

શેઠ ભોઠો પડ્યો 

"બાપા" શબ્દથી જાણે ભડક્યો

પોતાની દીકરી સાંભરી

જાણે યોજના સઘળી મૂકી પડતી!

મને ટીમલીની હોંશિયારી ગમી

ટીમલીએ સમાજની આબરૂ બચાવી

શેઠના સપના રગદોળી નાખ્યા

શબદ થકી ચતુરાઈ બતાવી

ટીમલીએ નવી રાહ ચીતરાવી...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational