શૈશવ તણાં સંભારણાં
શૈશવ તણાં સંભારણાં
તારા થકી જીવન મહીં સુવાસ હોવી જોઈએ,
રાખું શરત બસ એટલી ,તું પાસ હોવી જોઈએ.
તારા અને મારા હૃદયની વાતનો છેડો નથી,
આ વ્હાલની વાતો તો બારેમાસ હોવી જોઈએ.
ભેગા મળી વાગોળતાં શૈશવ તણાં સંભારણાં,
ભેરું વિનાની સાંજ તો ઉદાસ હોવી જોઈએ.
ગોકુળ ત્યજી કાનો ગયો, ગોપી રડે છે યાદમાં,
રાધા બનીને પામવાની પ્યાસ હોવી જોઈએ.
વેઠયા કર્યો અંધકારને, શોધ્યા કર્યો ઉજાશને,
ચંદા વગરની રાત પણ બિન્દાસ હોવી જોઈએ.
ખોલી હૃદય, જોયા પછી સાચી ઠરી એ વાત પણ,
આ લાગણી પણ રામ તારી દાસ હોવી જોઈએ.
ચાહું સદા પંખી બની, ઊંચે ઉડું આકાશમાં,
પણ કલ્પનાની પાંખ 'હેલી' ખાસ હોવી જોઈએ.
