સબરસ - મીઠુ
સબરસ - મીઠુ
રહસ્ય અકબંધ ખારા મીઠાનું નામ કેમ છે મીઠુ
એટલે જ તો બીન લવણ ના કોઈ ભોજન દીઠું,
નવલા વરસમાં પ્રભાતે સબરસથી શુકન કીધા
ચમકતા શ્વેત સ્ફટિક મીઠાને નમક નામ દીધા,
ટપકતા અશ્રુ તણા પીલુડા અને પ્રસ્વેદમાં લૂણ
ભોજન બગડતું રોકવા ક્ષારમાં સાચવણના ગુણ,
કોઈક ભાગ્યશાળીને કૂવે જળ અતિ મીઠું નીકળ્યું
વળી અભાગીયાને જળ મહીં ઉસ મીઠુ સળવળ્યું,
ચપટી મીઠુ લેવા બાપુ ગયા ચાલતા છેક દાંડી
સાંભળી એ વાતને ગોરી સરકાર થઈ ગઈ ગાંડી,
મર્યાદા મહત્તા સમજાવી આંખે છાલક દાંતે લૂણ
ભાડે નથી પોતાનું જ છે પેટ ન ભરીએ ચારે ખૂણ
ઘા પર મીઠુ ભભરાવશો નહીં ક્યાંક થશે અનર્થ,
સિંધાલૂણ સંચળ લવણ ખાર એનો એક જ અર્થ
રહસ્ય અકબંધ ખારા મીઠાનુ નામ કેમ છે મીઠુ
સમુદ્ર સરોવર પહાડે ભર્યું વિશાલ મીઠાનું પીઠું.