પુસ્તકની પાંખે
પુસ્તકની પાંખે
પુસ્તકની મેં પાંખો પહેરી,
કાગળની વાદળીઓ ઓઢી,
આભ સાથે હોંકારા ભણતી,
ઊડી રહી પુસ્તકની પાંખે......
ચંદ્ર સરીખી નીખરી રહેતી,
તારલાં સાથે ટમટમ કરતી,
શબ્દો સાથે શરારત કરતી,
ઊડી રહી પુસ્તકની પાંખે.....
રામાયણની ચોપાઈઓ ગાતી,
શ્લોકો અને સંહિતા માણી,
કડવાં વાંચ્યા, કવિતા વાંચી,
ઊડી રહી પુસ્તકની પાંખે......
ગઝલની ગરિમા જાળવી,
વાર્તાની વાસ્તવિકતા સમજી,
નાટકનાં નેપથ્યમાં સંતાઈ,
ઊડી રહી પુસ્તકની પાંખે......
આભના માત્ર ટુકડાને સ્પર્શી,
શિખરને અડકવા મથતી,
વીજળીની જેમ ઝબૂકી,
ઊડી રહી પુસ્તકની પાંખે.
