પતંગ
પતંગ
તારાને મારા
પ્રેમપત્રોને
ચાલને
આકાશે ઉડાડીએ
પતંગ બનાવી ને !
**
એક દિવસ
આકાશને શણગાર
સજવાનું મન થયું
ને
આખ્ખુય આકાશ
ભરાઈ ગયું
રંગબેરંગી
પતંગોથી !
**
જિંદગીના આકાશમાં
પતંગની જેમ
બિન્દાસ વિહરવું
હોય તો
શરત માત્ર એટલી
કે
ફીરકી સંપૂર્ણપણે
બીજાને સોપવી પડે !
**
સુખ અને પતંગમાં
ઘણી સામ્યતા છે
પતંગ ચગાવે કોઈ
પેચ થાય અને
પકડે કોઈ
ઘણા પાછળ દોડે પણ
કોઈ ભાગ્યશાળી જ
પકડી શકે,
સુખનું પણ એવું જ !

