પરોપકાર
પરોપકાર
હે માનવ આ રીતથી જીવનમાં જીવતા રહેવું,
પ્રથમ ઈશ માબાપ છે સેવા કરી નમતા રહેવું.
હરિએ આપ્યો છે આ દેહ એને જપતા રહેવું,
પરોપકાર કરી અને પુણ્યનું ભાથું ભરતા રહેવું.
પરમાત્માએ આપ્યું જ છે તો દાન કરતા રહેવું,
અભિમાન ત્યજીને સ્વાભિમાની બનતા રહેવું.
સત્યસનાતન ધર્મના મારગ પર ચાલતા રહેવું,
પ્રેમભાવ રાખીને ભારતીયબંધુને ગમતા રહેવું.
ગરીબોના આંગણે જઈ ખબર પૂછતા રહેવું,
દુઃખીજનોના પડતા અશ્રુઓ લૂછતા રહેવું.
મગજમાં સારા વિચારો સદા રાખતા રહેવું,
કામ પડે સ્વજનોને ત્યાં હંમેશાં દોડતા રહેવું.
વૃક્ષોનો વધ નવ કરો પણ વૃક્ષો વાવતા રહેવું,
રાગ, દ્વેષ, ઈર્ષા, છોડી સૌ સાથ બેસતા રહેવું.
લોભ, લાલચ, દંભ, જેવા દૈત્યને મારતા રહેવું,
ડૂબતા હોય તે વ્યક્તિનો હાથ ઝાલતા રહેવું.
પૂર પ્રવાહ, અગ્નિથી સાવચેત બનતા રહેવું,
આનંદ મેળામાં ચકડોળમાં ન ફરતા રહેવું.
આનંદની ઘડી આક્રંદ ન બને જાણતા રહેવું,
રૂપિયાનો વ્યય કરી મોજ નવ માણતા રહેવું.
આલિયાની ટોપી માલ્યાને ના નાખતા રહેવું,
ધન સંગ્રહ કરી જમીનમાં નવ દાટતા રહેવું.
ઉધઈ ખાય જાય પછી માથું ન ફૂટતા રહેવું,
સંતાડી ગયા પછી ખોટું કુટુંબે શોધતા રહેવું.
ફોગટ ફેરો ના જાય લોક દિલમાં વસતા રહેવું,
હસાવો સહુને ને આપણે પણ હસતા રહેવું.
બસ આમ જ જિંદગીના દિન કાપતા રહેવું,
આપણે મોજમાં રહો અન્યને રાખતા રહેવું.
'પ્રવિણ' સૌને ગમે તેવું કવન લખતા રહેવું,
અહિથી નિવૃત્ત થઈ બીજે જઈ વસતા રહેવું.
