પ્રણય મર્યાદા
પ્રણય મર્યાદા


વિચારોથી ઘેરાઈ હું પહેલી આ સોનેરી સવારમાં
સાડી પહેરી સિંદૂર હાથ લઈ ઉભી તારી રાહમાં..
પહેલી સવારનો એ રોમાંચ ક્ષણક્ષણ કરે વિચલિત
ઓચિંતો આવી પાછળથી પોકારે તું મુજને ત્વરિત,
શરમના શેરડા ફૂટી નીકળે મારી નસનસ માં
વધુ નજીક દર્પણમાં દેખું તને મુજ નયનમાં !
ઢળી પડતી એ આંખોને નીરખી જ્યારે તું મલકે
પળેપળ તારા પર ઉભરાતું મારુ વ્હાલ છલકે..
રાતીચોળ હું લપાઈ સીધી તારી બાહોની બખોલમાં
ધીમેધીમે તારો હાથ ફરી વળે મારી પાતળી પીઠમાં..
રોમરોમ મારુ સળવળે તારા આલિંગનની ઓથે
અવિરત પ્રેમાલાપ થયા કરે ત્યારે બંધ બેઉના હોઠે!
એમજ ઓગળતી તારામાં હું તારા એ ગરમ શ્વાસે
દુનિયાના સર્વે સુખ આજ તારી ભીતર મને ભાસે..
ગોરા ગુલાબી મારા મુખને તારા ટેરવે તું ઊંચકે
અર્ધાંગિનીનું ગૌરવ અપાવી પુરે માંગ મારી સિંદૂરે,
સાવ નજીક તને વ્હાલા બસ એમજ નિહાળ્યા કરું
ગઈકાલના સેથી પૂરતા પહેલા સ્પર્શને વાગોળ્યા કરું..
મર્યાદાના સ્વીકારના સહઅસ્તિત્વના સમર્પણ ના
ફર્યાં છીએ આપણે ચોરીના ચાર મંગલફેરા વિશ્વાસના..
સાતેભવ શમણાઓ જીવતા આમજ જીવતર વિતાવું
સંસારનું આ ગાડું મર્યાદા ના ઘોસરે સુંદર હવે સજાવું,
ઘરચોળું તારા નામનું ઓઢીને હૈયાને મારુ સાવ ઉઘાડું રાખું
આ ક્ષણ એ ક્ષણ ને ક્ષણક્ષણ બસ તને જ ચાહ્યા રાખું.