પ્રીતમાં મઝધાર
પ્રીતમાં મઝધાર
ક્યાં કહું છું કે બચાવો મુજને હર એક તીક્ષ્ણ ધારે !
ઢાલ થાજો, બસ જનોઈવઢ ઘા જ્યારે કોઈ મારે,
મહેલ શીશાનાં અમે ઘડતા રહ્યા, જ્યાં છાશવારે,
ક્યાં ખબર રાખી હતી કે તોડશો તમ એક પ્રહારે !
પૂરતા ગ્યાં ઉરને આંગણ, રંગ ક્યારો હર સવારે,
ચાહના કરતા રહ્યા મહેમાન થઈને પણ પધારે,
લ્હેર થઈ એ ઘૂમતા ગ્યા, મન તણા હર એક વિચારે,
ને અમે તો શ્વાસને ભરતા રહ્યા યાદો સહારે,
અવધિ આપી છે ગજબ, કે જાતને તેઓ મઠારે,
કોણ કહે એને કે ના જોઈ છે ખામી પૂજનારે !
હાર્દ તૂટ્યું ને ? જે લાવ્યા પ્રીતમાં મઝધાર ભારે,
આજ તેઓ સાદ દે છે કે વળો પાછા કિનારે,
શું ખબર એમને કે મોતી પ્રીતનાં ના હોય કિનારે,
ડૂબકી ખાવી પડે છે, દર્દની ગહન મઝધારે,
ગર્વ ના કર કે, એ ચાલ્યા આવતા રહે છે અહીં દ્વારે
હાર્દ આ તો ભાગ્ય મજબૂર છે કે, પડ્યા તુજ પનારે !
