પ્રેરણા
પ્રેરણા
કદરદાનનાં પ્રતિભાવ પર સવાર થઈને આવે છે પ્રેરણા,
ટીકાકારની ટીકામાંય બિલ્લીપગે લપાઈને આવે છે પ્રેરણા !
ડગલે ને પગલે વધારે આત્મવિશ્વાસ ને દ્રઢ ભરોસો ભીતર,
મંઝિલ સુધી રહસ્યમય આશીર્વાદ બની સાથ આપે છે પ્રેરણા !
આ જીવનમાં સુખની ઘડી હોય કે હોય દુઃખના વસમા દહાડા,
આયખામાં બીમારીનો સચોટ ઉપચાર બનીને આવે છે પ્રેરણા !
યુગોથી તમામ કલાકારોની તમામ સર્જનાત્મકતાની ભૂમિકા,
કપરા કાળમાં પણ સુખાકારી વધારી સાથ આપે છે પ્રેરણા !
જીવન સંઘર્ષમાં અટવાય જો સફળતા અવનવી અટકળોમાં,
તો ખુદ મહીં સુતેલી અપાર સંભાવનાઓ જગાડે છે પ્રેરણા !
એ જાતને ખસેડે અનુભૂતિ ને અહેસાસથી અલગ સ્તર પર,
નવું બળ બની ઉજાગરાઓ ને જાગરણમાં ફેરવે છે પ્રેરણા !
મૃત ભીડનાં સામ્રાજ્યમાં કેદ થઈ હસ્તી મારી જ્યારે જ્યારે,
ત્યારે આત્માની સંવાદિતા થઈ એકાંતને આઝાદ કરે છે પ્રેરણા !
"પરમ" પ્રતિભાઓનો પમરાટ ફેલાઈ રહ્યો વિશ્વનાં ગુલશનમાં,
ને મારા કાવ્યોમાં "પાગલ" થઈ ખુદ ઉર્જાનો વિસ્ફોટ કરે છે પ્રેરણા !
