પ્રેમની વાદળી.
પ્રેમની વાદળી.


આજે પ્રેમની તું વાદળી થઇને વરસ.
આંખથો તું પ્રેમભીની લાગણી થઇને વરસ.
આ અષાઢી મોરલાના કંઠ તો કોરા ગયા,
પ્રેમની મોસમ હવે તું શ્રાવણી થઇને વરસ.
પ્રેમના સૂરો મહીં ખોવાઇ જાવું છે હવે,
કોયલોના કંઠથી તું વાંસળી થઇને વરસ.
પ્રેમથી તું વશ કરે તો વશ થવા તૈયાર છું,
એવું કૈં કામણ ભરેલી આંખડી થઇને વરસ.
આ હ્રદયમાં લાગણીની કેટલી ભરતી થશે,
કોક'દિ તો તું પૂનમની ચાંદની થઇને વરસ.
હોઠને ભીના કરી લઉં એવી રીતે સ્હેજ તું,
આ 'ધમલ' પર પ્રેમવાળી વાદળી થઇને વરસ.