STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Inspirational

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Inspirational

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

1 min
508


પ્રેમળ જ્યોતિ તારો દાખવી,

મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,

ને ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,

નિજ શિશુને સંભાળ,

મારો જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ,

દૂર નજર છો ન જાય;

દૂર માર્ગ જોવા લોભ લગીર ન,

એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય... પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,

ને માગી મદદ ના લગાર;

આપબળે માર્ગ જોઇને ચાલવા,

હામ ધરી મૂઢ બાળ;

હવે માગું તુજ આધાર... પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો, 

ને ભય છતાં ધર્યો ગર્વ,

વીત્યાં વર્ષો ને લોપ સ્મર

ણથી, 

સ્ખલન થયાં જે સર્વ,

મારે આજ થકી નવું પર્વ... પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !

આજ લગી પ્રેમભેર,

નિશ્ચે મને તે સ્થિર પગલેથી

ચલવી પહોંચાડશે ઘેર,

દાખવી પ્રેમલ જ્યોતિની સેર... પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી, 

ને ગિરિવર કેરી કરાડ,

ધસમસતા જળકેરા પ્રવાહો,

સર્વ વટાવી કૃપાળ,

મને પહોંચાડશે નિજ દ્વાર... પ્રેમળ જ્યોતિ

રજની જશે, ને પ્રભાત ઊજળશે,

ને સ્મિત કરશે પ્રેમાળ,

દિવ્ય ગણોનાં વદન મનોહર

મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,

જે મેં ખોયા હતાં ક્ષણવાર ... પ્રેમળ જ્યોતિ

- નરસિંહરાવ દિવેટિયા


Rate this content
Log in

Similar gujarati poem from Classics