પ્રેમ વિશે
પ્રેમ વિશે
પ્રેમ વિશે જાણકારી જોઇએ,
ને ગુરૂ પણ ખાનદાની જોઈએ.
જીવવાની રીતને ભૂલી ગયા,
તંદુરસ્તી સોળઆની જોઈએ.
નામની સેવા ગુરૂની હોય છે,
શિષ્યને તો માલપાણી જોઈએ.
સ્પર્શ મારો આ ભલેને અંધ હો,
આંગળીઓ આફતાબી જોઈએ.
ચાલશેને, ફાવશે ને દોડશે.
આપણે ના હાડમારી જોઈએ.
આ દુ:ખોને સાચવે તેવી મને,
એક સારી કામવાળી જોઈએ.
આ જગત 'આભાસ'ને ભૂલે નહી.
મોત એવું લાજવાબી જોઈએ.