STORYMIRROR

mariyam dhupli

Thriller

3  

mariyam dhupli

Thriller

મને પણ

મને પણ

1 min
470

શિયાળાની ઠંડી બપોરે 

બસસ્ટોપ ઉપર 

ઉભા ઉભા,


સુંદર મજાના સ્વર 

કાનને  

કેવા પંપાળતા હતા !


સામે ઉભી

હજામની દુકાનના

રેડિયો ઉપર

રમી રહેલું એક ક્લાસિકલ ગીત,


ડાબી તરફના 

આંબાના વૃક્ષ

ઉપરથી કલકલ કરતું 

કોઈ નાનું જીવ,


દફ્તર લટકાવી 

વોટરબેગ ફેરવતી

મીઠી મીઠી વાણીઓ,


આગળના મહોલ્લે 

ફરી રહેલો કુંભારની 

કલાનો ચાકડો,


પાછળ ઉભી દરજીના 

દુકાનનો તક તક કરતો

સીવવાનો સંચો,


નજીકના ઘરમાં 

ગુંજી રહેલી સ્વાદિષ્ટ 

કૂકરની સીટી...


ને અચાનક 

ક્યાંથી ધસી આવ્યો

એક કર્કશ અવાજ..


"જોયું,

 ઈશ્વરનો આભાર માન 

 કે તને પ્રેમ કરે છે.

 એટલેજ તો 

 આ સુંદર આંખો 

 આપી છે.

 એનો સદુપયોગ કર..."


 હું અકળાયો,

 હું ફંટાયો, 

 હું ત્રાટક્યો,


"બહેન, જોઈ નથી શકતો,

 પણ સાંભળી શકું છું,

 સમજી શકું છું..

 અનુભવી શકું છું...


 બે આંખો નથી પણ 

 એક હૃદય 

 મારી પાસે પણ ખરું,


 કેમકે ઈશ્વર મને 

 પણ પ્રેમ કરે છે..."


 થોડી ક્ષણો માટે જાણે 

 બધું થીજી ગયું..


 હું સાંભળી શક્યો 

 ફક્ત ઘોર સન્નાટો 

 બહારનો પણ અને 

 અંદરનો પણ.....!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller