મીઠા ફળ
મીઠા ફળ
જઈને નર્સરીમાં ઘણું ફર્યા અમે,
આંબાનાં છોડ પર મન મારું બેઠું જીરે.
નમણો ને નાજુક લાવીને છોડ મારા બગીચામાં,
કરીને ખાડો અને ખાતર નાખી વાવ્યો જીરે.
રોજ રોજ હેતથી પાણી પીવડાવું, જતન કરું તેનાં,
જોઉં રાહ ઘણી ક્યારે મોટો થાશે જીરે.
ધીરેધીરે નાનીમોટી ડાળો વધી, ડાળે પાંદઙા ફરક્યા,
બા પાસે વધ્યાની વધામણી ખાધી જીરે.
દી થોડામાં છોડ થઈ મોટો આભ સાથે વાતો કરે,
પંખીઓ બેઠાં બેઠાં કલશોર કરતાં જીરે.
ઓણસાલ મંજરીઓ મહોરી ઉઠીને,
નાનાં નાનાં મરવા થયાં જીરે.
કેરીઓ થઈ ગઈ મોટીને સુગંધ ફોરમાતી ગઈ,
મીઠી સુગંધ તેની લલચાવતી જીરે.
"સખી" ધીરજનાં ફળ ઘણાં મીઠા મળ્યાં મને,
વાવજો ઘણાં વૃક્ષો આંબો, ચીકુ, જાંબુ કેરા જીરે.
