મહેનત
મહેનત
જિંદગી સોહાય છે મહેનત વડે,
હોઠ પણ મલકાય છે મહેનત વડે,
શું નથી મળતું ? અગર મહેનત કર્યે,
આંખ તો છલકાય છે મહેનત વડે,
ભાગ્ય કેરા ના સહારે બેસ તો,
રેખ સૌ બદલાય છે મહેનત વડે,
રંક પણ રાયા બને છે કર્મથી,
અર્થ તો સર્જાય છે મહેનત વડે,
જાત પર વિશ્વાસથી આગળ વધો,
હર સમય અંકાય છે મહેનત વડે,
મૂક ડગલું હોંશથી સોપાન પર,
તો શિખર દેખાય છે મહેનત વડે,
શ્રેષ્ઠનો પર્યાય છે મહેનત જગે,
પ્રેય હર પરખાય છે મહેનત વડે,
ધ્યેય હર હાંસલ થતું મહેનત થકી,
શક્યતા ચિતરાય છે મહેનત વડે,
સૂર્ય સમ આભા જગતમાં ઝળહળે,
તેજ કર ફેલાય છે મહેનત વડે.
