માત
માત
એણે દીધો જન્મ ને થઈ જીવનની શરૂઆત
એની ગોદીમાં વીત્યાં, મારાંએ દિન-રાત,
હોય જેવો જે સમય, જે કંઈ હોય હાલાત
પણ મોઢા પર સ્મિત છે, દિલમાં છે તાકાત !
ચેમ્પિયન એ ચાહતની, લાગણીનો લાવા જ
એક તો એજ અમીર છે, ભૈ બાકી સૌ બાવા જ,
હોય ધરા પગને તળે, છતાં આભમાં પાંખ
કોઈ ક્ષિતિજ કે સીમ નૈ, એવી આપી આંખ !
હાલ ને પકડી રાખવું, ભાવિની ખેંચ લકીર
હાથ-ભાલ શું ઝાંકવા ? કહે મુઠ્ઠીમાં છે તકદીર,
કાંઈ ન બોલોને છતાં, સઘળું સમજી જાય
એની પાસે હોઉં જો, મનની મરજી થાય,
હર કોયડાનો ઉકેલ દે, પણ ખુદ ઉલજી જાય
વળી ઘણેરી ઉલજનો ભાવથી સુલજી જાય ?
એનો કોઈ અંતના, ના થઈ કોઈ શરૂઆત
માં એ કોઈ સ્વરૂપ નહીં, શક્તિ છે સાક્ષાત,
એની ગોદીમાં વીત્યાં, મારા દિનને રાત !
એણે દીધો જન્મને, થઈ જીવનની શરૂઆત.
