માસૂમનો એક સવાલ
માસૂમનો એક સવાલ
હે ઈશ્વર તારે તો રોજ મોજે મોજ,
તારા માથે છે આવો કોઈ બોજ ?
લેસનની આપે મોટી મોટી ફોજ,
મને રોજ રોજ,
મારા માથે કેટલો છે બોજ !
હું દસ કિલોનો,
મારું બેગ બાર કિલોનું,
રોજ રોજ કેવી કડાકૂટ !
તારે છે કઈ આવી માથાકૂટ ?
સ્કૂલની બેન્ચ એજ મારી આંબાની ડાળ,
અને એજ મારી સરોવરની પાળ,
બાકી ગિલ્લી દંડા લખોટીની મને ક્યાં છે ભાળ !
બાગના ફૂલોની હું ક્યાં કરી શકું,
આળ પંપાળ !
મારી ખુદની રાખે વોચમેન સંભાળ,
મંથલી ટેસ્ટ મારી સાથે રમે પકડદાવ,
ટેક્સ્ટ બુક રમે સંતાકૂકડી,
હોમ વર્ક મારું કબડ્ડી,
એક્સ્ટ્રા ક્લાસ મારી ખો ખો,
કોચિંગ ક્લાસ મારી હોકી,
મારી ખુદની ક્યાં રહી કોઈ હોબી !
બોલ ઈશ્વર છે તારી માથે આવો બોજ ?
તને આવું બાંધી ને કોઈ રાખે છે રોજ ?
મમ્મી કહે મિકેનિકલ એન્જિનિયર બન,
પપ્પા કહે પાયલોટ બન,
પણ કોઈ સપનાઓ નહિ ?
શું મારું કોઈ અસ્તિત્વ નહિ ?
બસ સ્કૂલ ટ્યુશન હોમ વર્ક કોચિંગ ક્લાસ
એ સિવાય,
મારી કોઈ દુનિયા નહિ ?
હરીફાઈની હોડમાં તણાવાંનું,
ગાડરિયા પ્રવાહમાં વહેવાનું,
શું મારી કોઈ અહેમિયત નહિ,
મને કોઈ આઝાદી નહિ ?
આવું બચપણ મને મંજૂર નથી,
મને મારું બચપણ પાછું આપો.
