મારું વિશ્વ મા
મારું વિશ્વ મા
એક શબ્દમાં સમાઈ ગયું આખું વિશ્વ મારું
મા તે મારા કાજે સઘળું સુખ વિસાર્યું તારું
નવ માસની વેદના કદી તારા હોઠે ન આવી
કથા તારી અનમોલ,મારે કેમ કરીને ગાવી ?
ધરી સઘળું આકાશ મને તે ઉડવા આપી પાંખો
મારા સુખના સપનાં જોતી સદાય તારી આંખો
તારા લાગણી ભીના હાથે એટલું વરસ્યું હેત કે
મારા મનની વાતો નહીતર હું કોને જઈ કે 'ત
હજુ ફરફરે સામે જાણે, હો શીતળ વડનો છાંયો
માડી તારો મીઠો પાલવ મુજ આંખોમાં અંકાયો
કાશ હજું એ આંગણ, એ પીપળનો પડછાયો મળે
પાપા પગલી ભરતી બાળા ફરી ત્યાં પછી વળે
ફરી કોઈ ઊંચકે એને ચૂમે,નાના હાથ પસવારે
માં ! તારા વિણ કોણ આ જગતમાં મને તારે ?
અમી ભરેલી આંખો તારી પ્રેમની તે કહાણી
તારા જ પ્રેમ થાકી બની હું સ્નેહની સરવાણી.