મારી દીકરી
મારી દીકરી
દીકરી,
શું નામે તને સંબોધું ?
ખૂબ વિમાસણમાં હું.
તું તો છે પ્રતિબિંબ મારું,
પણ, પ્રતિબિંબ તો આભાસી હોય.
સહુ કહે, તું છે મારી પરછાઈ,
પણ, પડછાયામાં રંગ ક્યા ?
તો, તું મારી ઢીંગલી,
ના, ઢીંગલીમાં સમજ ક્યાં ?
તો હું તને પરી જ કહું,
અં...પરી તો કલ્પનાનું પાત્ર. ના.
તું તો છે ખીલતી કળી,
કે નાજુક નમણું ફૂલ મારું,
ના રે, કળી તો એકવાર ખીલે,
ને ફૂલને તો મુરઝાવું પડે !
તું તો મારી સરગમ,
સરગમતો છે ફક્ત,
સાત સૂરમાં બંધાયેલી.
તને ચાંદ કહું ?
કે પછી સૂરજ !
ના ના ચાંદમાં તો છે ડાઘ,
ને સુરજમાં છે આગ.
તો હું શું કહું તને ?
તું છે મારી કલ્પના,
મારામાંથી સ્ફૂરેલી,
મારું અંતર મન.
રોજ ખીલતી,
ખૂબ ચહેકતી,
નાવિન્યસભર,
સહુના અંતરમનને ઉજાળનારી.
અદ્લ મારી કવિતા જેવી,
હા તું મારી કવિતા,
મારી દીકરી.