મારા માટે થોડું, જીવી લઉં
મારા માટે થોડું, જીવી લઉં
ચાલ આજ મારા માટે થોડું, હું જીવી લઉં,
થોડું હસી દઉં કે થોડી, મીઠી વાત, વાગોળી લઉં,
કે પછી, મારામાં છુપાયેલી મને,
હાય-હલો કરી બોલાવી લઉં,
ચાલ આજ, મારા માટે થોડું, હું જીવી લઉં !
રોજિંદી આ ઘટમાળને, બે ઘડી તોડી દઉં,
કે, બે ક્ષણ ઊભા રહીને, જાતને સવારી લઉં,
કે પછી, આયનામાં દેખાતાં પ્રતિબિંબ ને, પ્રેમથી વધાવી લઉં,
ચાલ આજ, મારા માટે થોડું, હું જીવી લઉં !
વાળોની એ સફેદીને, મેઘધનુષી રંગે રંગી દઉં,
કે, ચહેરાની એ કરચલીઓને, ખડખડાટ હાસ્યથી વિખેરી દઉં,
કે પછી, ચશ્માંની એ જોડથી, અવનવી દુનિયા નિહાળી લઉં,
ચાલ આજ, મારા માટે થોડું, હું જીવી લઉં !
રસોડામાં વીતેલાં વર્ષોને, સજાવીને શણગારી દઉં,
કે, ધુમાડાથી ભરાયેલાં ફેફસાંને, ઊંચી હલકથી ગાઈને ખંખેરી દઉં,
કે પછી, કરમાયેલાં એ હાથથી, સુંદર ચિત્ર દોરી મઢાવી લઉં,
ચાલ આજ, મારા માટે થોડું, હું જીવી લઉં !
કુકરની સીટીથી, ગુંજતા એ કાનને, મનગમતું ગીત કોઈ સંભળાવી દઉં,
કે, મનપસંદ ધુન પર, આમજ બેધ્યાન થઈ, તાલીઓનાં તાલે નાચી લઉં,
કે, દિકરી, મા કે ગૃહિણીના સ્વાંગ ને, પળભર માટે ત્યજી દઉં,
કે પછી, “ચાહત” શ્વાસ ને, ભરીને ઉરમાં,
ખુદ મારી પીઠ, થપથપાવી દઉં,
ચાલ આજ, મારા માટે થોડું, હું જીવી લઉં !
