માનવતાનો ઉદય
માનવતાનો ઉદય


અવનિ અને આકાશ એટલે એક આદર્શ શિક્ષક દંપતિ. બંનેની રહેણી કરણી, વિચારોનું સામ્યપણું અને સ્વભાવનું મળતાવડાપણું એવું કે લોકોને એમની ઈર્ષ્યા આવે.એમાંયે વળી સોનામાં સુગંધ ભળે એવી એમની દીકરી આત્મજાથી મહેકતું એમનું ઘર અને એથીયે વિશેષ રાજીપો એ વાતનો કે દીકરીના માથે દાદા-દાદીની છત્રછાયા.
વૈશ્વિક મારામારી એવા કોરોનાના લોકડાઉનના સમયગાળામાં બીજા ધોરણમાં ભણતી આત્મજાની સ્કૂલ બંધ થઈ ગઈ. એકાદ અઠવાડિયા પછી તો એના મમ્મી પપ્પાની સ્કૂલ પણ બંધ થઈ ગઈ. સમગ્ર દેશ જ્યારે ઘરના માળામાં સલામત રહેવાના પ્રયત્નો કરતો હોય ત્યારે આ પરિવાર એમાંથી બાકાત કેમ રહી શકે ?આત્મજા નિત્યક્રમ મુજબ દાદી પાસે વાર્તા સાંભળતી પણ હવે તો મમ્મી પાસે પણ એ તક મળી. એટલે આ ઘર બાળઘડતરની પ્રવૃત્તિઓથી ધમધમતી શાળા સમાન બની ગયું.
એક દિવસ આત્મજા એની મમ્મી પાસે વાર્તા સાંભળતી હતી. વાર્તાનો સાર કંઈક આવો હતો કે આપણે પશુ-પક્ષીઓને હેરાન પરેશાન કરવા જોઈએ નહીં. એ પણ આ સૃષ્ટિનો એક ભાગ છે. આત્મજાએ અચાનક એની મમ્મીને પૂછ્યું, "મમ્મી, દાદા મંદિરે જતા નથી તો પક્ષીઓને દાણા કોણ નાખતું હશે ?અને હું અને દાદા પેલા કૂતરાઓને રોટલી ખવડ
ાવવા જતા હતા એમને રોટલી કોણ આપતું હશે ?"આત્મજાની વાત સાંભળી અવનિ એને જોતી જ રહી ગઈ. સવારે એને આકાશને કહ્યું,"આપણે આગાશીમાં પક્ષીઓ માટે ચણ નાખીએ તો પક્ષીઓ ના આવે ? અને કૂતરાને રોટલી ખવડાવવા તો સોસાયટીના દરવાજા બહાર સુધી જઇ શકાશે."
ઘરનાં બધાંએ આ વિચાર વધાવી લીધો.બે ત્રણ દિવસના અંતે એમના ઘરની આગાશીમાં ચકલી, કબૂતર અને પોપટે પ્રવેશ કર્યો. દાદા પણ મૂળ તો નિવૃત્ત શિક્ષક, એટલે શાળામાં પ્રવેશ પામેલા બાળકના સ્થાયીકરણની પ્રવૃત્તિઓના પ્રયત્નો આદર્યા. એમના માટે પીવાના પાણીની વ્યસ્થા કરી, ઘરના વરંડામાં ચકલીઘરની વ્યવસ્થા કરી.પરિણામે આ પરિવારના લોકડાઉનમાં નવીન ઉર્જાનો સંચાર થયો.
એક દિવસ દાદા કૂતરા માટે રોટલી લઈ સોસાયટીના દરવાજે ગયા તો એમને જોયું કે એક ગલુડિયું અને એક બિલાડીનું બચ્ચું એકસાથે એક જ ચાટમાં રોટલી ખાઈ રહ્યાં હતાં. આત્મજા બોલી, "દાદા,બિલાડીને કૂતરાની બીક નહીં લાગતી હોય?"દાદાએ હસીને જવાબ આપ્યો,"બેટા, આ લોકડાઉનના સમયમાં માનવતાનો ઉદય થયો છે. આશા રાખું કે આપણે માનવી એમની પાસેથી કંઈક શીખીએ"આત્મજા દાદાને સાંભળતી રહી અને દાદા પેલા બે અબુધ પ્રાણીઓને નિહાળતા રહ્યા.