લખવી છે કવિતા એક
લખવી છે કવિતા એક
લખવી છે કવિતા એક શ્યામ તારા નામની પણ,
યાદ આવે છે ફક્ત તારી વાંસળી ને મોરપીંછ
ઝરમર વરસાદમાં મોરપંખનો ટહુકાર સંભળાય
ને વૃક્ષમાં ઊગેલી નવી ડાળખીમાં વાંસળી નાદ,
કહેવી છે રાધાની વેદનાં ને મીરાની કરતાલનો વાદ
પણ કાને અથડાય છે નરસિંહના ભજનોનો નાદ
પાર્થને કહી હતી જે ગીતા કુરુક્ષેત્રની વચ્ચે
સંભળાયો હતો શંખનાદ છેક કાલિન્દના તટે શ્યામ,
કૃષ્ણા તારી સખી અને ઓધવજી ભક્ત તારો
હું છું સાવ શૂન્ય બસ યાદ છે ફક્ત તારું નામ
લખવી છે કવિતા એક શ્યામ તારા નામની પણ
યાદ આવે છે ફક્ત તારી વાંસળી ને મોરપીંછ શ્યામ.
