લઈ જા ને તારી સંગાથે
લઈ જા ને તારી સંગાથે
મખમલી આકાશે, ઊડવું છે તારી સંગાથે,
આભનાં એ પ્રવાસે, લઇ જાને તારી સાથે.
વાદળોની સાખે, પ્રીતની પાંખે,
મુક્ત ગગનનાં પંખી બનીને, આભને બાથમાં લઇને,
સઘળા બંધનો તોડીને, લઇ જાને તારી સંગાથે.
વસંતને માણીશું, વર્ષામાં ભીંજાશું,
ફૂલડાંની ફોરમ બનીને, વગડે વગડે ભમીએ,
અહમનો ઉંબરો ઓળંગી, લઇ જાને તારી સંગાથે.
થોડું લડીશું, સાથે જીવીશું,
સ્નેહનું આંગણ સજાવીને, યાદોની તિજોરી ભરીએ,
પ્રેમનાં પગલાં પાડીએ, લઇ જાને તારી સંગાથે.
હું તારી 'સરગમ' તું સૂર છે મારો,
વ્હાલનો કક્કો ઘૂંટીને, જીવન કવિતા રચીએ,
ચાહતમાં ચકચૂર બનીને, લઇ જા ને તારી સંગાથે.

