લાજ મુને આવે
લાજ મુને આવે
લાજ મુને આવે વ્હાલમજી,ના કરો નજુરુંથી આમ છેડખાની,
ઈશારાના ઘાથી ના કરો ઘાયલ વ્હાલમજી,
થઈ જાવ હું તો પાણી પાણી.
ભીંજાય મનને દલડાની ઓરકોર વ્હાલમજી, નજુરું ઢળે થઈ લજામણી,
પાલવે બાંધી પ્રિત તમ પીયુજી, શરમાતી મળે મુને છાનીછપની.
લાજ મુને આવે વ્હાલમજી....
અડકી તમને વાયરો મુને સ્પંદન જગાડે વ્હાલમજી, છૂપાવું કેમ કરી હું છોભીલી,
રુંવે રુંવે ઝણકે પ્રેમ તમ માણેગરજી,ઓઢણ મહીં છુપાવી હરખાવ હું બાવરી.
લાજ મુને આવે વ્હાલભજી....
ઝરૂખેથી ઝીલ્યાં તમ પ્રણય સંદેશ વ્હાલમજી, પાંપણને પલકારે લાજ આવી વળગી,
ઢળતાં નયનોમાં છબી તમ સમાણી, મૌનમાં પણ ભરી દીધી મેં હામી.
લાજ મુને આવે વ્હાલમજી......
નજુરુથી ના સ્પર્શો મુજ નજરુંને વ્હાલમજી, દલડું ધબકારે ચડે મારું લજ્જાથી,
પ્રથમ પ્રણયની લાજવંતી પળોમાં , એકમેકમાં ઓગળી વિલય થાય આતમ અજવાળી.
લાજ મુને આવે વ્હાલમજી...
ઓઢીને રંગ લાલ તમ નામનો વ્હાલમજી, સાથ ચાલવું મુને સાત જનમ પીયુજી,
કરમાં મહેંકે મહેંદી તમ નામની, જીવન સુંગધા બની પ્રીત મહેંકે જનમો જનમ આપણી.
લાજ મુને આવે વ્હાલમજી....
લાજ મુને આવે વ્હાલમજી,ના કરો નજુરુંથી આમ છેડખાની,
ઈશારાના ઘા થી ના કરો ઘાયલ વ્હાલમજી,
થઈ જાવ હું તો પાણી પાણી.

