લાગણીનાં દુકાળ
લાગણીનાં દુકાળ
લાગે છે લાગણીનાં દુકાળ પડ્યા છે,
પારકા કરતા પોતાના વધુ નડ્યા છે,
કિનારો છોડ, ચાલ ઉતરી ઊંડા દરિયે,
સાચા મોતી તો મરજીવાને જડ્યા છે,
તારા વગર એકલતા દિલ ચીરે છે,
ખામોશીમાં શબ્દો રાતભર રડ્યા છે,
સંવેદનશીલતાની વ્યથા તો અર્જુન જાણે,
કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈઓ લડ્યા છે,
સ્વાર્થી દુનિયામાં પ્રેમની ક્યાં જરૂર છે ?
આશિકો વગર વાંકે શૂળીએ ચડ્યા છે,
તારા વગર ક્ષણ એક યુગ જેવી વીતે છે,
આંખમાંથી આંસુને બદલે જખ્મો દડ્યા છે,
ચાહતમાં બદનામ થઈ ગલી ગલી ભટક્યો,
તારા કિસ્સાઓને મારાં હૃદયમાં જડ્યા છે,
લાગણીનાં છોડને મેં આંસુથી સિંચ્યા છે,
તારા સ્પર્શ વગર આ છોડ હવે સડ્યા છે,
ઝંખના નથી રહી હવે કોઈ તારા સિવાયની,
જ્યારથી તારા અહેસાસો રૂહને અડ્યા છે,
ઠંડી ઉપેક્ષા મળે છતાં દિલ, કેમ ઝંખે ?
ખ઼ુદાએ પણ કેવા અજબ દિલ ઘડ્યા છે.

