ક્યારે થશે મુલાકાત?
ક્યારે થશે મુલાકાત?
નથી ગમતું તારા વિના, હરપળ આવે છે તારી યાદ,
વિરહની આગ દઝાડી રહી છે, મારા હ્રદયને આજ.
તારા વિના સૂમસામ લાગે છે, આ રળીયામણી રાત,
રાત વિતાવું છું હું નભના, તારા ગણી ગણીને આજ.
રોજ વાટ જોઉં છુ તારી, થાકી જાય છે મારી આંખ,
જીભ રટે છે નામ તારૂં, મન મારૂં તરસી રહ્યું છે આજ.
સપનાનો મારો મહેલ તુટ્યો છે, વહે છે આંસુની ધાર,
લહેરાતો આ શિતળ સમિર, લાગે છે તીર જેવો આજ.
કરૂણ કલ્પાંત મારો જોઈને, ચંદ્ર પણ બન્યો છે ઉદાસ,
શરદ પૂનમની રાત મુજને, લાગે છે અમાસ જેવી આજ.
નથી રહેવાતુ, નથી સહેવાતુ, ક્યારે થશે હવે મુલાકાત,
"મુરલી"તારી અધૂરી બની છે, તારા વિના પ્રિયતમ આજ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

