કઈ રીતે હું આપને
કઈ રીતે હું આપને
એવું બને કે તારલા તોડી શકું!!
પણ કઈ રીતે હું આપને છોડી શકું?
બંદૂક ખાલી હો છતાં ફોડી શકું!!
પણ કઇ રીતે હું આપને છોડી શકું??
સૂરજ ઉગે મધરાતમાં એ શક્ય છે,
ના ચ્હા મળે ગુજરાતમાં એ શક્ય છે,
ઝરણું ચડે ડુંગર ઉપર એ શક્ય છે,
વાદળ ઉપર બંધાય ઘર એ શક્ય છે,
ને શક્ય છે કે જળ ઉપર દોડી શકું!!
પણ કઈ રીતે હું આપને છોડી શકું?
આકાશ ખેડી કાચ વાવું ચાસમાં,
હર ડાળ પર ચાંદા ઉગે આકાશમાં,
એવું બને કે સૂર્ય આથમણો ઉગે,
પહોંચી શકું પળભરમાં આ મન જ્યાં પુગે,
ખીલ્લીને પણ આકાશમાં ખોડી શકું!!
પણ કઈ રીતે હું આપને છોડી શકું?
કાંટાના ડરથી ફૂલ ના છોડી શકું,
આપે કરેલા મૂલ ના છોડી શકું,
આ જિંદગી સાથે મમત છોડી શકું,
ને શ્વાસ લેવાની રમત છોડી શકું,
થઈ માછલી જળનેય તરછડી શકું!!
પણ કઈ રીતે હું આપને છોડી શકું?

