કેડી જીવનની
કેડી જીવનની


કંડારી હોય કેડી જેમ જીવન ચાલ્યું જાય એમ
દર વળાંકની સાથે એનો વધતો જાય સ્નેહ
જાણે ખેતરાં બોલાવે વાતો પવનની સુણવા
પંખી રસ્તા બતાવે ઊંચે આકાશમાં ઉડવા,
ભરતી ભાવનાની છેડે કૈં વાંસળીના સૂર
રાત ચાંદ તારલાની છબી રમે મુજ ઉર...
લઈ મેઘધનુ સંગ સરે ઋતુઓની જેમ
કંડારી હોય કેડી જેમ જીવન ચાલ્યું જાય એમ...
નિત સ્પંદન જગાડે કણેકણ રોમેરોમ
રહે કાયમ આ નૂર એનો છૂટે નહીં મોહ,
હૈયે વાંછટ આનંદની ઉડ્યા કરે પળેપળ
ફોરે પગલાં સુગંધ વાસંતી પથ પર...
લાવે નવા રૂપરંગ ખિલે ફૂલમન એમ
દર વળાંકની સાથે એનો વધતો જાય સ્નેહ...
કંડારી હોય કેડી જેમ જીવન ચાલ્યું જાય એમ
દર વળાંકની સાથે એનો વધતો જાય સ્નેહ.