કાગળ લખું
કાગળ લખું
ચાલ આજે તને કાગળ લખું,
વિયોગની વેદના મારી કલમે ભરું,
લખી લખીને શું લખું કાગળમાં,
તારા વિના નથી ગમતું જીવનમાં..ચાલ આજે,
આંખોમાં આંજેલા સપનાઓ સ્નેહનાં તે,
યાદોની ગલીઓમાં હવે ચોળાશે તે..ચાલ આજે,
સાંજ પણ તારા વિના ડૂસકાં ભરે,
રાતભર યાદોનાં પડછાયા ફરે..ચાલ આજે,
ભૂલી જવાની મને આદત નથી,
ચાહવાની જિદ તને, છોડી નથી..ચાલ આજે,
વાંસળી બની હું તારે હોઠે હસું,
નહીં મીરા કે રાધા બની અળગી રહું..ચાલ આજે,
આવીને હવે લઈ જા તું મને,
જુદાં રહેવાની ટેવ સારી નથી,,ચાલ આજે,
અંતરનાં અરમાનો ચોધાર આંસુએ રૂએ,
એ જ વિજોગણ તારી વાટ જુએ..ચાલ આજે,
ચાલ આજે તને કાગળ લખું
વિયોગની વેદના મારી કલમે ભરું.

