કા'નાને કહેજો
કા'નાને કહેજો
કોઈ મથુરામાં જાવ તો મારા કા'ના કહેજો,
કોઈ મારા વ્હાલાને મળવાં જાવ તો મારો સંદેશો કહેજો,
આવી છે શ્રાવણ આઠમની અંધારિયાની રાત,
ફરી પાછો અવતાર લેવાનું કાનમાં જઈ કહેજો,
કા'નાને કહેજો કે જશોદા જોવે તારી વાટ,
જશોદાનો ખોળો ખૂંદવા આવવાનું લાલાને કહેજો,
રાધા રોવે છે રાતભર એકલી,
રાધાને મળવાં એકવાર આવવાનું કહેજો,
સૂનું પડ્યું છે વનરાવન અને સૂનો પડ્યો છે મોરલીનો નાદ,
મોરલી વગાડવાનું ફરી એકવાર કા'નાને કહેજો,
કોઈનું કહ્યું ક્યાં માને છે કામણગારો કા'ન,
નયનોનાં નેતરે બાંધી આંખોમાં કેદ કરી કા'નાને કહેજો,
કહેવું છે ઘણું "દીપ"ને પણ તેનું સરનામું ક્યાં ?
મળે ક્યાંક મારગમાં મોરલીધર તો મનાવી કહેજો.
