જીવતરના પાઠ
જીવતરના પાઠ
પ્રભુ વંદના પ્રભાતિયાથી, પાંગરતી શુભ સવાર
ફળિયું નાનું લાગે વ્હાલું, ઘર - ઘરના રમનાર
ગામને પાદર ગોવાળો ને, ગેડી દડાનો સંગાથ
હસતાં- રમતાં શેરીએ ખીલે ભેરૂઓના વ્હાલ,
સ્નેહે ભીંજાયા પાડોશીના, દીઠા મમતાના મોલ
ગામનો ચોરો કૂવાનો કાંઠો, સાંધે વાતોના દોર,
માયા- મમતા દિલથી મોટા, સુખ-દુખના સંગાથી
દુનિયાદારી કોઠા સૂઝથી, જાયે ઉખાણાં ઉકેલી,
યૌવન આવ્યું પાદર છોડ્યું, પાઠ જિંદગીના જાણ્યા
વાયુ વેગે વહી જિંદગી, પૈસા પાછળ દોડ્યા,
સંસારની વાડી ફૂલી-ફાલી, વીત્યા દિવસને રાત
સમૃધ્ધિ દેખી ભૂલ્યા નીજને, મનડું ચડ્યું ચગડોળ,
જોબન જાતાં વાર ના લાગી, તૂટ્યા હામ ને જોમ
ઘડપણની વ્યથા, દેહનાં કામણ કરમાણાં રોમેરોમ,
વ્હાલાં વેરી સમજે નકામાં, પાદર થયા પરદેશ
સમય કરવટે સ્નેહની સરવાણી સંકોચાયે દેશ,
ભાગ્યા ભેરુ ભૂલ્યા સંગાથી, દીસે કર્મની કઠણાઈ
લીલા નીરખી કુદરત તારી, ભજીએ અંતર્યામી,
દીધી શીખ જીવનની રીતિ, મધ્યમ માર્ગી રહીએ
જીવતરના પાઠ સત્સંગી થઈ, એકબીજાના થઈએ.
