જીવનનુ સંગીત
જીવનનુ સંગીત
જીવન વીતાવું છું સાત સ્વરો સાથે,
બેસૂરાપણું દૂર કરુ છું,
અલંકારો ઘૂંટ્યા છે દુઃખ તણાં મેં,
સુખની પળો વાગોળું છું,
સૂર લગાવ્યો છે ભક્તિ રાગનો,
હૃદયથી તેને લલકારૂ છું,
રાગ વગાડું હું સ્નેહથી,
મલ્હાર ભીતરથી વરસાવું છું,
વાદી સ્વરનું મહત્વ જીવનમાં,
સંવાદી સ્વર સાથે સમજ્યો છું,
વર્જીત સ્વરોને દૂર કરીને,
અનુવાદીનો સંગ અપનાવું છું,
હૃદયના તાલથી ગતિ આપીને,
જીવનને લયબધ્ધ રાખું છું,
હર્ષની તાનો લહેરાવીને,
તિહાઈથી જીવન શણગારૂં છું,
મનમાં જાગેલા તરંગો સાથે,
જીવનનો તરાનો વહાવું છું,
નાદ કરૂં છું "મુરલી" માં હું,
પ્રભુને પ્રફુલ્લિત રાખુ છું.