જાદુગર (બાળગીત)
જાદુગર (બાળગીત)
(રાગ : નાની મારી આંખ, એ જોતી કાંક કાંક)
જાદુગરના હાથ, કરામતમાં આપે સાથ,
એતો જાદુના ખેલ કેવા કરે છે !
હાથ વીંઝે લાકડી, પેટીમાંથી કાઢે માંકડી,
એતો લોકોનાં મન કેવાં હરે છે !
હાથમાં લઈ સૂતર, બનાવી દે કબૂતર,
ત્યાં તો નકલી ફૂલ કેવાં ખીલે છે !
મોટું કરે રહસ્ય, થઈ જાય એ અદૃશ્ય,
એની કળાને લોકો કેવા ઝીલે છે !
એવો મંત્ર ભાખે, માણસને ઊંચો રાખે,
એતો દોરી ઉપર કેવા ચડે છે !
ખેલ બતાવે ઝાઝા, ચહેરા કરી દે તાજા,
ત્યાં તો લોકોની તાળી કેવી પડે છે !
