ઈચ્છાઓના આધણમાં
ઈચ્છાઓના આધણમાં


ઈચ્છાઓના આધણમાં હું સંબંધ ઓરતો ગયો,
સુખદુઃખની આ ઘાણીમાં ખુદને પીસતો ગયો,
અવગણના કરી મૂલ્યોની તો પરિણામ પણ જુઓ,
શહેરની આડમાં આજે વતનને ભૂલતો ગયો.
લાગણેઓની પગથી પર સફળતા ચૂમતો ગયો,
સંવેદનાના ભાઠામાં એકલતા શેકતો ગયો,
મળે જો કોઈ મારું તો એને આટલું કહેજો,
શહેરની આડમાં વતનને ભૂલતો ગયો.
પિત્ઝાના સ્વાદયજ્ઞમાં ભાખરી હોમતો ગયો,
નિરોગી કાયા છોડી રોગને અપનાવતો ગયો,
દવાખાનાના બિલને જોઈને બસ આટલું સૂજ્યું,
શહેરની આડમાં આજે વતનને ભૂલતો ગયો.
પ્રદૂષણના ધુમાડા સાથે ઊંચે ઉડતો ગયો,
ઉડયા'તા મારી સાથે એમને પણ છોડતો ગયો,
ભૂલ્યો હું મિત્રતા ત્યાં યાદ આવ્યું આટલું મુજને,
શહેરની આડમાં આજે વતનને ભૂલતો ગયો.