હુંપતંગનેતુંદોરી
હુંપતંગનેતુંદોરી
પ્રણયના વ્યોમમાં વિહરવું ગમે છોરી,
હું પતંગ ને તું દોરી;
છેડા-છેડી જેવી કિન્ના બાંધી છે ગોરી,
હું પતંગ ને તું દોરી.
પાડી ગૂંચ લપેટે છે કોણ આ ફીરકી,
હું પતંગ ને તું દોરી;
કાપી આ લંગસીયા રહેજે તું ઓરી,
હું પતંગ ને તું દોરી.
ઉડું ગગનમાં વગર હવા જો તું થા ઢીલી,
હું પતંગ ને તું દોરી;
લોટણીયાઓથી દૂર ઉંચે જઉં હું છટકી,
હું પતંગ ને તું દોરી.
એક ઠૂમકે જવા ઉપર પૂંછ છે જો લગાવી,
હું પતંગ ને તું દોરી;
જોજે કમાન તોડતી પચરંગી બીજો ભાળી,
હું પતંગ ને તું દોરી.
લાંબો જો પેચ છોડાવું લોટણ થઈ માથું મારી,
હું પતંગ ને તું દોરી;
છેલ્લે આવ્યો વારો કપાવાનો બીજાં બહુ કાપી,
હું પતંગ ને તું દોરી.
કપાયો- હરખપદૂડી બીજી કેટલી દોરીઓ ઘસી,
હું પતંગ ને તું દોરી;
છેલ્લે હવા સ્મશાનમાં ગઈ ખેંચી ,ગયાં પોઢી,
હું પતંગ ને તું દોરી !

