હા, હું એક શિક્ષક છું
હા, હું એક શિક્ષક છું


મને મળેલા જીવનની, અણમોલ ક્ષણો ગાળું છું,
સાંજ પડે ત્યાં હજારો, લાગણીઓ પંપાળુ છું,
ખુદની સાથે બીજા પણ કેટલાયનો હું સમીક્ષક છું,
ગર્વ સાથે કહું છું આજે કે,હા હું એક શિક્ષક છું,
આપું હું એથી બમણું મળે,એવી જાદુઈ પુડી છે,
સંપત્તિથી સમૃદ્ધ ઘણો હું,વિદ્યાર્થી મારી મૂડી છે,
નથી ઊભો સીમા પર ક્યારેય, છતાં દેશનો રક્ષક છું,
ગર્વ સાથે કહું છું આજે કે, હા હું એક શિક્ષક છું,
છે ઉપવન ફૂલોનું વિશાળ અને હું એનો માળી છું,
ઊગે અને ખીલે સૌ ફૂલ, એવી જમીન હૂંફાળી છું,
કરું શિક્ષા અને કરું ક્ષમા, સ
ંસ્કારનો પરીક્ષક છું,
ગર્વ સાથે કહું છું આજે કે, હા હું એક શિક્ષક છું,
માનવતા વાવીને હું, દરેક હૈયામાં વસનારો છું
ખોટા ઘસતા હશો તમે, હું સાચા હીરા ઘસનારો છું,
ભૂત, ભવિષ્ય,વર્તમાનને, જોનારો હું નિરીક્ષક છું,
ગર્વ સાથે કહું છું આજે કે, હા હું એક શિક્ષક છું,
માસ્તરથી માના સ્તર સુધી, વહેતી હું સરવાણી છું,
કાલી ઘેલી પણ મીઠી લાગે, એવી રુડી વાણી છું,
લક્ષ્મી, ભગતને ગાંધીજી, હું સરદારની સમકક્ષ છું,
ગર્વ સાથે કહું હું 'યાદ' કે, હા હું એક શિક્ષક છું.