STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ગરજ હોય તો આવ ગોતવા

ગરજ હોય તો આવ ગોતવા

1 min
697


ગરજ કોને ?


ગરજ હોય તો આવ ગોતવા

હું શીદ આવું હાથ હરિ!

ખોજ મને જો હોય ખેવના

હું શીદ સ્‍હેલ ઝલાઉં હરિ!—ગરજ૦ ૧


ગેબ તણી સંતાકુકડીમાં

દાવ તમારે શિર હરિ !

કાળાન્તરથી દોડી રહ્યા છો

તોય ન ફાવ્યા કેમ હરિ !—ગરજ૦ ૨


સુફીઓ ને સખી–ભકતો ભૂલ્યા,

વલવલીઆ સહુ વ્યર્થ હરિ !

'સનમ ! સનમ !' કહીને કો રઝળ્યા,

કોઈ 'પિયુ ! પિયુ !' સાદ કરી—ગરજ૦ ૩


પોતાને પતિતો દુષ્ટો કહી

અપમાને નિજ જાત હરિ !

એ માંહેનો મને ન માનીશ,

હું સમવડ રમનાર હરિ !—ગરજ૦ ૪


તલસાટો મુજ અંતર કેરા

દાખવું તો મને ધિઃક હરિ !

પતો ન મારો તને બતાવું

હું–તું છો નજદીક હરિ !—ગરજ૦ ૫


મારે કાજે તુજ તલસાટો

હવે અજાણ્યા નથી હરિ!

હું રીસાયલ ને તું મનવે

વિધવિધ રીતે મથી હરિ!—ગરજ૦ ૬


પવન બની તું મારે દ્વારે

મધરાતે ગુમરાય હરિ !

મેઘ બનીને મધરો મધરો

ગાણાં મારાં ગાય હરિ !—ગરજ૦ ૭


વૈશાખી બળબળતાં વનમાં

દીઠા ડાળેડાળ ભરી

લાલ હીંગોળી આાંગળીઆળા

તારા હાથ હજાર હરિ !—ગરજ૦ ૮


માછલડું બનીને તેં મુજને

ખોળ્યો પ્રલયની માંય હરિ

હું બન્યો કાદવ, તું બની ડુક્કર

રગદોળાયો, શરમ હરિ !—ગરજ૦ ૯


પથ્થર લક્કડ પશુ પંખી થૈ

નજર તમારી ચુકાવી હરિ !

માનવ થઇ પડું હાથ હવે, તો

જગ કહેશે, ગયો ફાવી હરિ—ગરજ૦ ૧૦


લખ ચોરાશીને ચકરાવે

ભમી ભમી ઢુંઢણહાર હરિ !

ડહ્યો થૈ કાં દાવ પૂરો દે,

કાં તો હાર સ્વીકાર હરિ!—ગરજ૦ ૧૧


Rate this content
Log in

Similar gujarati poem from Classics