સો સો વાતુંનો જાણનારો
સો સો વાતુંનો જાણનારો
સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.
ડગલે ડગલે હાલ્યા કરે છે,
ઊંચાણમાં ન ઊભનારો;
ઢાળ ભાળીને સહુ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો — મોભીડોo
ભાગ્યા હોય એનો ભેરૂ થનારો,
મેલાં ઘેલાંને માનનારો;
ઉપર ઊજળાં ને મનમાં મેલાં (એવાં)
ધોળાંને નહિ ધીરનારો — મોભીડો૦
એના કાંતેલમાં ફોદો ન ઊમટે,
તાર સદા એકતારો;
દેયે દૂબળીઓ ગેબી ગામડીઓ,
મુત્સદ્દીને મૂંઝવનારો — મોભીડો૦
પગલાં માંડશે એવે મારગડે
(એની) આડે ન કોઈ આવનારો;
ઝેરના ઘૂંટડા જીરવી જશે ઈ તો,
બોલીને નૈ બગાડનારો — મોભીડો૦
નાનાં બાળક જેવો હૈયે લેરીડો,
એરૂમાં આથડનારો;
કૂંણો માખણ જેવો સાદો ને સોયલો
કાળને નોતરનારો–મોભીડો૦
ઝીણી ઝૂંપડીએ ઝીણી આંખડીએ,
ઝીણી નજરથી જોનારો;
પોતે ચણેલામાં પોલ ભાળે તો
પાયામાંથી પાડનારો–મોભીડો૦
આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો;
ના'વવું હોય અને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાખનારો–મોભીડો
રૂડા રૂપાળા આખા થાળ ભરીને
પીરસે પીરસનારો,
અજીરણ થાય એવો આા'ર કરેનૈ કદી,
જરે એટલું જ જમનારો–મોભીડો૦
આભે ખૂતેલી મેડી ઊજળીયુંમાં
એક ઘડી ન ઊભનારો;
અન્નનાં ધિંગાણાની જાની ઝૂંપડિયુંમાં
વણોતેડાવ્યો જનારો–મોભીડો૦
સહુને માથડે દુઃખડાં પડે છે,
દુઃખડાંને ડરાવનારો; ૪૦
દુઃખને માથે પડ્યો દુ:ખ દબવીને એ તો
સોડ તાણીને સુનારો–મોભીડો૦
કાળ જેવાને મહાકાળ લાગે છે,
આભને બાથ ભીડનારો;
સુરજ આંટા ફરે એવડો ડુંગરો,
ડુંગરાને ડોલાવનારો–મોભીડો૦
ઓળખજે બેનડી એ જ એંધાણીએ
મારા ખોળાનો એ ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો
મારા ઘડપણનો પાળનારો–મોભીડો૦