ગરબે રમવા ચાલ
ગરબે રમવા ચાલ
થનગનતાં એ પગલાં,
તારી ઝાંઝરનો ઝણકાર,
હાથો પરની મહેંદી,
તારા હૈયાનો ધબકાર,
હોય હવે શું બાકી, સહિયર ?
મન મુકીને મ્હાલ,
તું ગરબે રમવા ચાલ.
આંખો પરનું કાજળ,
નાની બિંદીનો શણગાર,
નાકે નથણી સોહે,
કાને ઝૂમખાંનો ચમકાર,
હોય હવે શું બાકી, સહિયર ?
મન મુકીને મ્હાલ,
તું ગરબે રમવા ચાલ.
થનગનતું એ મનડું તારું,
સાથે ઢોલનો ધબકાર,
માથે મેલી મટુકડી,
ને ગરબાનો ટહુકાર,
હોય હવે શું બાકી, સહિયર ?
મન મુકીને મ્હાલ,
તું ગરબે રમવા ચાલ.
રૂમઝૂમ કરતી રાતલડી,
મા અંબાને દરબાર,
ગરબા તાલે ઝૂમી ઉઠતાં,
સહુએ નાર ને નાર,
હોય હવે શું બાકી, સહિયર ?
મન મુકીને મ્હાલ,
તું ગરબે રમવા ચાલ.