ગઝલ
ગઝલ


ચમન હો કે રણ હો પાંગરે છે ગઝલ,
ને એકાંત દરિયે લાંગરે છે ગઝલ,
બજાવે છે બંસી યમુના તટે કાનજી,
અહીં ગાય થઈને ભાંભરે છે ગઝલ,
અમસ્તી તો એ ક્યાં યાદ આવે છે પણ,
વ્યથાઓ વધે તો સાંભરે છે ગઝલ,
તમે માનતા'તા કે હશે પગ તળે,
જુઓ ગઢના ઊંચા કાંગરે છે ગઝલ,
બન્યું આજ શ્રોતા વિશ્વ આખું 'શરદ',
દસેદસ દિશાઓ સાંભળે છે ગઝલ.