એકરાર
એકરાર


હા,હવે
તું ઓછું સાંભળે છે
અને
મારો અવાજ પણ
જીર્ણ થઈ ગયો છે,
છતાં મારે તને કહેવું છે કે
હું તને ભરપૂર ચાહું છું.
સમયની સાથે
બાથ ભીડીને
બરછટ થઈ ગયેલી
તારી આંગળીઓ,
જ્યારે
મારા કરચલી પડેલા
ગાલને સ્પર્શે છે
ત્યારે આજે એંસી વર્ષની ઉંમરે
પણ,
હું અઢાર વર્ષની થઈ જાઉં છું !
આજે પણ મોતીયાના કારણે
ઝાંખી પડી ગયેલી
તારી આંખો
જ્યારે
મારી આંખ સાથે એકાકાર
થઈ જાય છે,
ત્યારે
તારી સાથે તડકી-છાંયડી જોઈને
વૃદ્ધ થઈ ગયેલી
મારી આંખોમાં
એવું ને એવું મેઘધનુષ્ય રચાય છે,
જેવું
તારી સાથે પ્રથમ વાર
નજર મળી ત્યારે રચાયું હતું.
હા,હવે
તું ઓછું સાંભળે છે
અને
મારો અવાજ પણ
જીર્ણ થઈ ગયો છે,
છતાં મારે તને કહેવું છે કે
હું તને ભરપૂર ચાહું છું.