STORYMIRROR

Sharad Trivedi

Others

4.0  

Sharad Trivedi

Others

નમો જય જય ગરવી ગુજરાત

નમો જય જય ગરવી ગુજરાત

1 min
190


નમો જય જય ગરવી ગુજરાત

તું જ જનનીને તું જ તાત,


સરદાર જેવા વીરની તું ભૂમિ,

શ્યામજીકૃષ્ણ વર્માએ તને ચૂમી

વિશ્વ જેને વખાણેને વંદે

એ ગાંધીગીરી અહીં મન મૂકીને ઝૂમી,


અરવલ્લીમાં સોહે અંબે માત

તું જ જનનીને તું જ તાત

નમો જય જય ગરવી ગુજરાત,


અહીં નર્મદાના નીર ખળખળ વહે,

ખેતરો ધન-ધાન્યથી ભરપૂર રહે

અહીં મહીં- માખણનો તોટો નહીં

ચારેકોર ઘી-દૂધની ગંગા વહે,


જન જનનો ધોષ 'જય સોમનાથ'

તું જ જનનીને તું જ તાત

નમો જય જય ગરવી ગુજરાત,


નાજુક ને નમણાં અહીંના નરને નાર

કલા, સાહિત્યને વેપારમાં હોંશિયાર

જો કો'ક દિ અહીં ભૂલો પડે ભગવાન

તો પછી ભૂલી જાય સ્વર્ગના દ્વાર,


સોના વરણો દિવસ તારો, રઢિયાળી રાત

તું જ જનનીને. તું જ તાત

નમો જય જય. ગરવી ગુજરાત,


નરસિંહ, મીરાંએ ભક્તિરસ પાયો

ઝવેરચંદે રંગ કસુંબલ ગાયો

કટુતા નામે અહીં લવલેશ નહિ

વિશ્વશાંતિનો મંત્ર સહુએ પચાયો,


સૌથી નોખીને, નિરાલી તારી વાત

તું જ જનનીને તું જ તાત

નમો જય જય ગરવી ગુજરાત,


તારી પ્રગતિ આભને આંબે

વિશ્વ આખામાં ડંકો તારો વાગે

તું જ્ઞાન ને વિજ્ઞાનની ભૂમિ

મંત્ર વિકાસનો સૌ તારી પાસે માંગે,


સર્વ જન સમાન, નહીં કોઈ નાતજાત

તું જ જનની ને તું જ તાત

નમો જય જય ગરવી ગુજરાત,


તું જ દુર્ગા ને તું જ મહાકાળ

સિંહનો બચ્ચો તારો હરણફાળ

દુશ્મન તારાથી થરથર કાંપે

શિવનું તાંડવ તું વિકરાળ


કોટિ કોટિ કરે તુજને પ્રણામ

તું જ જનની ને તું જ તાત

નમો જય જય ગરવી ગુજરાત.


Rate this content
Log in