એટલે જ હશે
એટલે જ હશે


પ્રસ્વેદભીની હથેળીમાંથી,
તક જલદી સરકી જતી હશે,
વાતાનૂકુલિત કચેરીઓમાં,
કદાચ એટલે જ ટકી જતી હશે.
મહેનતી હાથની હો કે પછી વહેતી આંખની,
ભીનાશ બધે સરખી જ થતી હશે,
સૂકાતાં પહેલાં જ ફળ મળે તેનું,
કદાચ એટલે જ રહી જતી હશે.
પરિશ્રમ અને પ્રારબ્ધની મુલાકાત,
અજાણતાં થઈ જતી હશે,
હાજરીમાં બેયની સફળતા જીવનમાં,
કદાચ એટલેજ મળી જતી હશે.
પ્રમાદી હોય જો માનવી,
બીમારી જલદી થઈ જતી હશે,
કષ્ટ મહેનત તણું આપે વધારે જ્યારે,
નીરોગી એટલે જ કાયા થતી હશે.
અભાવે કામના દિવસભર કોઈને,
રાત વેરણ થઈ જતી હશે,
પથારીમાં પડતાં જ શ્રમિકની આંખ,
કદાચ એટલે જ મળી જતી હશે.