એક અનોખી બારી છું
એક અનોખી બારી છું
અવર્ણનીય છું હું ઈશ સર્જન, ઉપકાર ગણી જાણું છું,
જ્ઞાન ગંગોત્રીમાં કરવાને સ્નાન, શાસ્ત્ર ભણી જાણું છું,
પથરાળી છોને મળે મને ડગર ને હોય કંટક સામટા,
તેજ તણી તલવારે સઘળા, અંધકાર હણી જાણું છું,
મને ના સમજો કમજોર કળી, આગ તણી લપકાર છું !
મુજ મારગ અવરોધશે જો કોઈ તો શીશ હણી જાણું છું,
ધુમ્મસ છવાય નૈરાશ્ય તણું, તોય કર લમણે ના ધરતી,
નૈરાશ્ય નાથવા કાયમ તત્પર ને ઉલ્લાસ ચણી જાણું છું,
ભીતરના સ્પંદનને સમજો તો એક અનોખી બારી છું,
પ્રેમાળ શબ્દનો મળે સથવારો, સન્માન વણી જાણું છું,
નાકેથી શ્રીફળ કાઢી તો જુઓ, કોઈ સ્વાર્થી મનવા !
સૃષ્ટિ ચકર કાજે વેઠીને પીડા, બાળ જણી જાણું છું,
છે વિશ્વનાથ 'શ્રી' ની સાથે પછી શાને હોય કો' ફિકર !
જગ મંદિરને કરવા ઝળહળ, લાભ લણી જાણું છું.
