ધરતી અને આકાશનો પ્રેમ
ધરતી અને આકાશનો પ્રેમ
આકાશને આજ ધરતીનું કહેણ મોકલાઈ ગયું.
પ્રેમમાં છું, હું તો તારી, મારું દિલડું ખોવાઈ ગયું.
આકાશ ચડયું વિચારે, ધરતી આવી કેમ મળે?
ધરતી બોલી હસતા હસતા પ્રેમમાં ધીરજ ફળે.
ધરતીના મનમાં પ્રેમ નભનો, દરિયો બની ઊછળે,
આકાશ પણ પલળી ગયું, વાદલડી કાળી ટળવળે.
દૂરથી ધરતી આકાશ, એકબીજાને નીરખતા રહે,
પ્રેમનાં બીજ ઘેઘૂર બની, દિલમાં જો ઊછરતા રહે.
કયારેક બની ઝાકળ, આકાશ ધરતીને મળવું ગમે,
ધરતી પણ ખીલતી ફૂલ બની, ઝાકળ ને અડવું ગમે.
પ્રેમ ધરતીનો, આક
ાશથી દૂર રહી પણ ખીલતો રહે,
વિશ્વાસ પ્રેમમાં અતૂટ એવો, મૌન બની બોલતો રહે.
અધીરું થઈ આકાશ, ધરતીને મળવા વરસતું રહે,
ધરતીનું કહેણ આકાશને, મળીશું આપણે, જતું રહે.
સાથ આપણો જનમો જન્મનો, અકળાઈ નહિ મળે, પ્રેમ આપણો અમર બનશે, શ્વાસ આપણો જ્યાં મળે.
પ્રેમની અનુભૂતિ મળી, ધરા સોળે કળાએ ખીલતી ગઈ,
જો ને ધરતી છેલ્લા શ્વાસે આકાશને જઈ મળી ગઈ.
દૂર દૂર ધરતીનો છેડો પૂરો થતો જો ને દેખાય છે.
ચાલને ક્ષિતિજ બની જઈએ, તેને જ પ્રેમ કહેવાય છે.