ધીરજ અને ધગશ
ધીરજ અને ધગશ
ધીરજ અને ધગશ, સગપણમાં બે ભાઈ,
કોણછે ચઢિયાતું, તેની લાગી છે લડાઈ.
બન્ને છે મહાન અને બન્ને છે બદનામ,
ક્યારે કોણ બળવાન, તેની અઘરી છે ઓળખાણ.
ધગશ કહે હું ગતિ અને પ્રગતિનો નિયમ,
ધીરજ કહે મારાથી સફળતા રહે કાયમ.
ધીરજ કહે તું અધીરો, તારી દૌડ આંધળી,
ધગશ કહે તું ધીમો, તારી ચાલ પાંગળી.
ધગશ કહે હું સીંચું પ્રયત્ન રૂપી જળ,
ધીરજ કહે હું પકવું વાડીમાં મીઠા ફળ.
સફળતાની લાગી પડે એવી તે રેલમછેલ,
જો મળે ધીરજ અને ધગશનો સાચો તાલમેલ.
તાલમેલ કેળવવામાં આવે ઘણી કઠિણાઈ,
સર્જમહારને વિનંતી, આપે સાચી ચતુરાઈ.