ડોકિયું
ડોકિયું
ચાલ મન બેસીએ બે ઘડી સાથ,
કરીએ ડોકિયું નિજ અંત: માં
ને ઓળખીએ આતમનો ઉજાસ,
ચાલ મન......
લખ ચોરાસીમાં નહીં કોઈ જાત,
જેનો કોઈ ધર્મ કે હોય પછી નાત,
તો શાને અહીંયા આટલો વિવાદ,
જો હોય શ્રેષ્ઠ આ માનવજાત,
ચાલ મન........
ભેદ ભરમની ભાષા ભૂલી,
ફેલાવીએ સમજણની સુવાસ,
ભાઈચારાના ભાવને બાંધી,
હળીમળી સૌ રહીએ સાથ,
ચાલ મન......
એક જ નીર ને એક રુધિર,
એક જ છે સૌ જનનો શ્વાસ,
પ્રકૃતિ છે જગ જનની માતા,
કરીએ જતન સૌ મિલાવી હાથ,
ચાલ........
જૂજ જીવનને ઝાઝી જંજાળ,
એમાંય વળી ઉપાધિ અપાર,
શાને લડીએ વારંવાર,
આખરે જવું સહુ મૂકી સ્મશાન,
ચાલ મન.
