દર્પણ
દર્પણ
1 min
311
જિંદગીની આ રઝળપાટ તો જો,
હરણફાળની આ હંફાટ તો જો,
એક અમથા ખાડાની ખપતે,
કેટકેટલીય ઝંઝાવાત તો જો,
શબ્દોની સાબિતિને ક્યાં કોઈ પૂછે અહીં,
આ કાગળ કેરો કકળાટ તો જો,
ખિસ્સાની ખુમારીએ ખેડાય છે જિંદગી,
આ નોટોનો સળવળાટ તો જો,
ઊગી રહેલી ઈચ્છાઓ પર,
આ જવાબદારીઓનો ઝણઝણાટ તો જો,
મનની માલીપા મેલ ભર્યાં ને,
આ ચહેરાના ચળકાટ તો જો,
લાગણીઓ થઈ ગઈ લુલી ને,
આ આડંબરનાં ઉભરાટ તો જો,
વહેમના વમળોમાં વિંટાયેલી,
આ વફાદારીનો વલોપાત તો જો,
કહે "કાજલ" આજ દિલથી એક જ,
ઊંડી એવી વાત તું જો,
મશીનનાં આ મોડર્ન યુગમાં,
માણસની રહી ગઈ મુઠ્ઠીભર ઔકાત તો જો.
