ચાની ચુસ્કી
ચાની ચુસ્કી
અનોખી, અનેરી, અદ્ભુત, થોડી ભીને વાન હતી,
ચાહ હતી એની, સદાય મને રાહત હતી,
મહેકમાં એની એક ગજબની તાજગી હતી,
સદાય મનમાં મારા એની ચાહત હતી,
એક હું હતી ને, બીજી મારી ચાની ચુસ્કી હતી,
સુખ કે દુઃખમાં સદાય એ મારી સાથી હતી,
કોઈપણ અકળામણમાં એ રાહત હતી,
ડૂમો ઉતારવાનું એ અકસીર સાધન હતી,
મારા અહેસાસની એ, એક માત્ર સંગીની હતી,
એક હું હતી ને, બીજી મારી ચાની ચુસ્કી હતી,
મગજમાં ઊઠતાં વિચારોને ચમકાવતી હતી,
હૃદયના સ્પંદનોને રણઝણાવતી હતી,
રંગત કહું કે સંગત, એક માત્ર એ જ હતી,
રેડાઈ જવામાંય એની અજબ રંગત હતી,
એક હું હતી ને, બીજી મારી ચાની ચુસ્કી હતી,
શિયાળે શબનમ - સી એનામાં નમી હતી,
ઉનાળે એ કંટાળાનું મારણ હતી,
ચોમાસે એ મારી સાથે ભીંજાતી હતી,
સારી કહું કે ખરાબ, એ જ એક આદત હતી,
એક હું હતી ને, બીજી મારી ચાની ચુસ્કી હતી,
મારી ને સસરાજી સાથે, એની જબરી સંગત હતી,
હાજરી હતી એમાં, જે મારી નવરાશની ક્ષણો હતી,
એકાંતમાયે એ, મારી મહેફિલ સજાવતી હતી,
વાતોના પિટારાનો એ, બેશુમાર ખજાનો હતી,
એક હું હતી ને, બીજી મારી ચાની ચુસ્કી હતી.
