બીજો ઈશ્વર
બીજો ઈશ્વર
છોડવો સંસાર આત્મકલ્યાણ અર્થે,
ગહનમાં તો સ્વાર્થી ભાગેડુ વૃત્તિ જ ગણાય !
રહી સંસારે પરપીડા હરી જાણી જેણે,
એ નિ:સ્વાર્થ તપસ્વીની મૂર્તિ ડૉક્ટરમાં દેખાય !
દુ:ખીજનોનાં દુઃખ દેખી ન શકે જે,
એ હૃદયે નિત કરુણાનો મહાસાગર લહેરાય !
ભૂખતરસનું ભૂલી ભાન દિનરાત સેવા કરે,
અસાધારણ સમર્પણની મૂર્તિ ડોકટરમાં દેખાય !
જીવન જ્યોત બુઝતી કળાય જ્યારે,
આશાનું કિરણ અંતિમ એનાં હસ્તમાં સ્ફુટ થાય !
રડતાં ચહેરાઓ પર ખુશીઓ લહેરાવે,
જીવનદાતા તારણહારની મૂર્તિ ડોકટરમાં દેખાય !
અસહ્ય તકલીફો અને વેદનાઓ દેહે,
કરે પલમાં દૂર એ દવાખાના મંદિર આલેખાય !
અવરુદ્ધ જીવનને ગતિમય કરે જે,
સાકાર જગતે ઈશ્વરની મૂર્તિ ડોકટરમાં દેખાય !
નાત-જાત ઊંચ-નીચ સ્પર્શે ન એને,
ગરીબ હો કે તવંગર, એની સેવાનું મૂલ ન મપાય !
સૌ જીવનમાં 'દીપાવલી' પ્રગટાવે,
ધરા પર ચળકતા સુર્યની મૂર્તિ ડોકટરમાં દેખાય !
